
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગોબરી રોડ પર આવેલી શ્રમિક વસાહત ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેવાસંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં શરૂ થયેલી આ વ્યવસ્થા હેઠળ શ્રમિકોને માત્ર ₹૫ના નજીવા દરે પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
શ્રમિકો વહેલી સવારથી રોજગારી માટે નીકળી જતા હોય છે. આવા સંજોગોમાં તેમને સરળતાથી અને પરવડે તેવા દરે ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં આ સુવિધા શરૂ થતાં સ્થાનિક શ્રમિકોને ભોજન માટે સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.
મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. શ્રમિકોને નજીવા દરે પોષણયુક્ત અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તથા તેઓ સ્વસ્થ રહી શકે તે હેતુથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રમિકોના હિતને પ્રાધાન્ય આપતી આ યોજના જરૂરિયાતમંદ વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. શ્રમિકોના સહયોગથી આવી કલ્યાણકારી યોજનાઓ તેમના જીવનમાં સુખાકારી લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.