
બનાસકાંઠાના ભીલડી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ₹૭૫૦ કરોડના ખર્ચે ૪,૩૦૦થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અંતર્ગત ૪,૦૦૦થી વધુ નવા કેન્દ્રોનું ઈ-ખાતમુહૂર્ત અને તૈયાર થયેલાં ૩૦૦થી વધુ કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પહેલમાં બનાસકાંઠા જિલ્લાને કુલ ૧૪૨ આંગણવાડી કેન્દ્રોની ભેટ મળી છે. જેમાં ૧૩૮ નવા કેન્દ્રોનું ઈ-ખાતમુહૂર્ત અને પૂર્ણ થયેલાં ૪ કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરાયું છે. આ કેન્દ્રો ગ્રામીણ વિસ્તારનાં બાળકોને પોષણ, આરોગ્ય અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
રાજ્યભરમાં આ પહેલથી આશરે ૩ લાખ બાળકો, ૮૦ હજાર કિશોરીઓ અને ૩૫ હજાર સગર્ભા તથા ધાત્રી માતાઓ સહિત ૪ લાખથી વધુ લાભાર્થીઓને સીધો લાભ મળશે.
આધુનિક કેન્દ્રોમાં શુદ્ધ પીવાનું પાણી, વીજળી, બાળકોને અનુકૂળ ફર્નિચર, ડિજિટલ શિક્ષણ, LED સ્માર્ટ ટીવી અને પોષણ વાટિકા જેવી સુવિધાઓનો સમાવેશ છે. દિવ્યાંગ બાળકોની સુગમતા માટે રેમ્પ અને હેન્ડરેઇલની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
‘બિલ્ડિંગ એઝ લર્નિંગ એઇડ’ એટલે કે ‘BALA’ અભિગમ હેઠળ દીવાલો અને રંગકામને શૈક્ષણિક સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી આંગણવાડીનું મકાન પણ બાળકો માટે શીખવાનું સાધન બને. બાંધકામની ગુણવત્તા અને સલામતીની ચકાસણી માટે IIT ગાંધીનગરના ટેકનિકલ સહયોગથી પસંદગીનાં મકાનોનું થર્ડ-પાર્ટી ઇન્સ્પેક્શન પણ હાથ ધરાયું છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.