
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાની ૫૧૮ ગ્રામ પંચાયત કચેરીઓમાં દિવ્યાંગો, સિનિયર સિટીઝન અને સગર્ભા મહિલાઓ માટે યોગ્ય રેમ્પ, રેલિંગ અને વ્હીલચેર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો દિવ્યાંગ અધિકાર મંચ, સાબરકાંઠાના પ્રમુખ જયદીપસિંહ પરમારે આક્ષેપ કર્યો છે. તેમણે જિલ્લામાં ‘દિવ્યાંગ અધિકાર અધિનિયમ, ૨૦૧૬’નો ચુસ્ત અને સંપૂર્ણ અમલ થતો ન હોવાનું જણાવી જરૂરી સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
પરમારના જણાવ્યા મુજબ, સરકારી કામકાજ અને વિવિધ દાખલા કઢાવવા ગ્રામ પંચાયત કચેરીએ આવતા દિવ્યાંગ ભાઈ-બહેનો, અશક્ત વડીલો અને સગર્ભા મહિલાઓને ઊંચાં પગથિયાં ચઢવામાં ભારે મુશ્કેલી પડે છે. મોટાભાગની પંચાયતોમાં વ્હીલચેર કે યોગ્ય રેમ્પ ઉપલબ્ધ નથી. કેટલીક જગ્યાએ રેમ્પ બનાવવામાં આવ્યા છે, પરંતુ અયોગ્ય ઢાળને કારણે તેના પર વ્હીલચેર ચઢાવવામાં મુશ્કેલી પડતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
તમામ પંચાયતોમાં યોગ્ય રેમ્પ, રેલિંગ અને વ્હીલચેર આપવાની માંગ
દિવ્યાંગ અધિકાર મંચે જિલ્લાની તમામ ૫૧૮ ગ્રામ પંચાયતોમાં યોગ્ય ઢાળ ધરાવતા રેમ્પ અને રેલિંગ તાત્કાલિક બનાવવા માંગ કરી છે. સાથે જ દરેક પંચાયત કચેરીમાં દિવ્યાંગો, સિનિયર સિટીઝન અને સગર્ભા મહિલાઓના ઉપયોગ માટે કાયમી ધોરણે વ્હીલચેર ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી છે.
“ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, બેંકો અને અન્ય સ્થળોએ રેમ્પની સુવિધા હોય તો ગ્રામ પંચાયત કચેરીમાં કેમ નહીં?” એવો સવાલ પણ મંચે ઉઠાવ્યો છે.
ગ્રામ પંચાયત સુધી પહોંચતા દરેક નાગરિકને સરળતાથી સરકારી સેવાઓ મળી રહે તે માટે સાબરકાંઠાની તમામ ગ્રામ પંચાયત કચેરીઓમાં આ સુવિધાઓ સત્વરે પૂરી પાડવા દિવ્યાંગ અધિકાર મંચે માંગ કરી છે.
નોંધ: આ અહેવાલ દિવ્યાંગ અધિકાર મંચની રજૂઆત પર આધારિત છે. સંબંધિત તંત્રનો પ્રતિભાવ અને પંચાયતવાર સુવિધાઓની સ્વતંત્ર ચકાસણી બાકી છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.