
બનાસકાંઠામાં પશુઓનું છાણ હવે પશુપાલકો માટે વધારાની આવક અને સ્વચ્છ ઊર્જાનો સ્રોત બની રહ્યું છે. બનાસ ડેરીના બાયો-CNG મોડેલ હેઠળ છાણમાંથી વાહનો માટે બળતણ અને ખેતી માટે સેન્દ્રિય ખાતર તૈયાર કરવામાં આવે છે. હાલ જિલ્લાના ચાર પ્લાન્ટમાં દરરોજ ૩૪૦ ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. થરાદ અને રાધનપુરના નવા પ્લાન્ટ કાર્યરત થયા બાદ આ નેટવર્કની દૈનિક પ્રોસેસિંગ ક્ષમતા ૫૧૫ મેટ્રિક ટને પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બનાસકાંઠામાં બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે ડેરી વ્યવસાય સાથે હરિત ઊર્જા અને ગ્રામીણ આવકને જોડતું બનાસનું મોડેલ વિશેષ મહત્વ ધરાવે છે.
દામા ગામથી શરૂ થયેલી પહેલનું વિસ્તરણ
બનાસકાંઠામાં અંદાજે ૨૮ લાખ પશુધન છે. તેમાંથી આશરે ૨૪ લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે છે, જેના થકી રોજ અંદાજે ૨૪ હજાર ટન છાણનું ઉત્પાદન થાય છે.
ડેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૦માં ડીસાના દામા ગામથી છાણ ખરીદવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ દેશના સૌપ્રથમ વ્યાપારી ધોરણના CBG આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથેના ત્રિપક્ષીય કરાર હેઠળ આગથળા, ભૂખલા અને વીંછીવાડામાં પણ પ્લાન્ટ કાર્યરત કરાયા છે.
છાણની રકમ દર પખવાડિયે દૂધના બિલ સાથે મળે છે
આ વ્યવસ્થામાં પશુપાલકો પાસેથી ખેતર પર જ વજન કરીને કિલોદીઠ આશરે ₹૧ના ભાવે છાણ ખરીદવામાં આવે છે. તેની રકમ દર પખવાડિયે દૂધના બિલ સાથે સીધી પશુપાલકોના બેંક ખાતામાં જમા થાય છે. આમ, દૂધની આવક ઉપરાંત છાણમાંથી પણ નિયમિત વળતર મળતું થયું છે.
ડેરીની માહિતી અનુસાર, પ્લાન્ટમાં તૈયાર થતો બાયો-CNG કિલોદીઠ ₹૭૫થી ₹૮૦ના ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેની સરખામણીએ સામાન્ય CNGનો દર આશરે ₹૯૨ પ્રતિ કિલો હોવાનું જણાવાયું છે.
‘ભૂમિ અમૃત’ ખાતરથી જમીનને પણ લાભ
ગેસ બનાવવાની પ્રક્રિયા બાદ મળતી સ્લરીમાંથી ઘન અને પ્રવાહી સેન્દ્રિય ખાતર તૈયાર કરવામાં આવે છે. આ ખાતર સ્થાનિક દૂધ મંડળીઓ મારફતે ‘ભૂમિ અમૃત’ બ્રાન્ડ હેઠળ ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે. આ રીતે પશુઓનું છાણ ઊર્જા ઉત્પાદન બાદ ખાતરરૂપે ફરી ખેતી સુધી પહોંચે છે અને જમીનની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી બને છે.
ખુલ્લામાં સડતા છાણમાંથી નીકળતા મિથેન વાયુને પ્લાન્ટમાં એકત્ર કરીને બળતણમાં ફેરવવાની આ પ્રક્રિયા પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપે છે.
૨૦૦ પ્લાન્ટ અને વાર્ષિક ₹૮૭૫ કરોડના વળતરનો અંદાજ
બનાસ ડેરીએ ભવિષ્યમાં જિલ્લામાં આશરે ૨૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ આયોજનથી વાર્ષિક ૧,૧૬૮ લાખ કિલો કમ્પ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન અને પશુપાલકોને વર્ષે આશરે ₹૮૭૫ કરોડનું સીધું આર્થિક વળતર મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે.
ડેરીના જણાવ્યા મુજબ, ગાયના છાણની દુબઈમાં નિકાસ કરવાની આકર્ષક ઓફર મળી હોવા છતાં સ્થાનિક સંસાધનનો લાભ ભારતીય ખેડૂતો અને જમીનને મળે તે માટે ઓફર સ્વીકારવામાં આવી નહોતી. આ મોડેલના આધારે ભારત અને જાપાન વચ્ચે દેશમાં ૧,૦૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે ‘જાપાન-ઇન્ડિયા કો-ઓપરેટિવ બાયોગેસ ઇનિશિયેટિવ’નો પણ પ્રારંભ થયો છે.
“ગામડાં હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે”: શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સંસ્થાનું લક્ષ્ય માત્ર દૂધ સંપાદન પૂરતું મર્યાદિત નથી. સ્વચ્છ હરિત ઊર્જાને ગ્રામીણ આજીવિકા સાથે જોડીને પશુપાલકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવવાનું છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતનાં અંતરિયાળ ગામડાં દેશને ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જન તરફ દોરી જતી વૈશ્વિક હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે. પશુપાલકોને વધારાની આવક, ગામડાંમાં સ્વચ્છતા, સસ્તું વાહન બળતણ, સેન્દ્રિય ખાતર અને સ્થાનિક રોજગારી આપતી આ પહેલને તેમણે ‘પંચમુખી પરિવર્તન’ ગણાવી હતી.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.