
કામધેનુ યુનિવર્સિટીના પશુચિકિત્સા મહાવિદ્યાલયમાં જન્મજયંતિ તથા વિશ્વ વિદ્યાર્થી દિવસ નિમિત્તે પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો
સરદારકૃષિનગર: કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ તથા વિશ્વ વિદ્યાર્થી દિવસ નિમિત્તે પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો. વેટરનરી પબ્લિક હેલ્થ અને એપીડેમીઓલોજી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અધિકારીઓ, પ્રાધ્યાપકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાનપ્રાપ્તિની લગન અને રાષ્ટ્રસેવાની ભાવના કેળવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં પશુચિકિત્સા સ્નાતક અભ્યાસક્રમના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે ડૉ. કલામના પ્રેરણાદાયી જીવનપ્રસંગો અને ભારતના વૈજ્ઞાનિક વિકાસમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.
મહાવિદ્યાલયના આચાર્યએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ડૉ. કલામનાં જીવનમૂલ્યો અને વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના વિશેષ લગાવ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદે રહ્યા હોવા છતાં ડૉ. કલામ પોતાની ઓળખ શિક્ષક તરીકે આપવાનું પસંદ કરતા હતા. યુવાનો સાથે સંવાદ દ્વારા તેઓ મોટાં સ્વપ્નો જોવા અને તેને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપતા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સતત શીખવાની વૃત્તિ, વૈજ્ઞાનિક વિચારસરણી, કઠોર પરિશ્રમ, શિસ્ત, સમયપાલન અને રાષ્ટ્રસેવા જેવા ગુણો આત્મસાત કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. પશુચિકિત્સા અને પશુપાલનના વિદ્યાર્થીઓ સંશોધન તથા નવીનતાના માધ્યમથી પશુપાલન અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે તેવો સંદેશ પણ અપાયો હતો.
પ્રેરણાત્મક વાતાવરણમાં સંપન્ન થયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.