
વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના લુવાણા (ક)થી પેપર સુધીના માર્ગનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ₹૪૧૦ લાખના ખર્ચે ૩.૭૫૦ કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરવામાં આવશે. આ માર્ગથી વિસ્તારનું ગ્રામીણ માર્ગ જોડાણ વધુ સુદૃઢ બનશે.
કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, લુવાણાથી પેપર સુધીનો રસ્તો બંને ગામો વચ્ચેના સામાજિક વ્યવહાર માટે મહત્વપૂર્ણ બનશે. પેપર ખાતે મહાદેવજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને ખેતરોથી દૂધ મંડળી સુધી દૂધ પહોંચાડતા પશુપાલકોને પણ આ માર્ગનો લાભ મળશે.
રાહથી ખોડા માર્ગની ૨૫ વર્ષ જૂની માંગણી પૂર્ણતાના આરે
અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, રાહથી ખોડા તરફના રસ્તાની ૨૫ વર્ષ જૂની માંગણી હવે ઝડપથી પૂર્ણતાના આરે છે. હાલ જ્યાં કાચું નેળિયું છે ત્યાં આગામી ૩૧ માર્ચ પહેલાં વાહનો સરળતાથી અવરજવર કરી શકે તેવો ગુણવત્તાયુક્ત પાકો રસ્તો તૈયાર કરવામાં આવશે. કામ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તેઓ સ્વયં સ્થળ પર જઈ જાતતપાસ કરશે તેમ પણ જણાવ્યું હતું.
ગામડાંના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી
શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં જ્યાં વિશ્વાસ અને સ્નેહ હોય ત્યાં પ્રજા પોતાની માંગણીઓ રજૂ કરતી હોય છે. લુવાણા ગામમાં થયેલાં વિકાસકામો ગ્રામજનોની નજર સમક્ષ હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગ્રામ પંચાયતોને સીધી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ મળી રહી છે. તેના કારણે સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે સમયસર આયોજન શક્ય બન્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળની સરખામણીએ આજે સરહદી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે અભૂતપૂર્વ નાણાકીય ફાળવણી થઈ રહી છે.
રાહ પંથક માટે પશુ દવાખાનું અને પશુચિકિત્સકની વ્યવસ્થા મંજૂર
ખેતી સાથે પશુપાલન ક્ષેત્રના વિકાસ અંગે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, રાહ પંથકમાં પશુપાલન વ્યવસાયના વિસ્તરણને ધ્યાનમાં રાખીને પશુ દવાખાનું અને પશુચિકિત્સકની વ્યવસ્થા મંજૂર કરવામાં આવી છે.
આધુનિક પશુ સંવર્ધન ટેકનોલોજી અંગે તેમણે જણાવ્યું હતું કે, IVF અને ગર્ભ પ્રત્યારોપણની મદદથી શ્રેષ્ઠ ગાય કે ભેંસમાંથી એક વર્ષમાં ૨૫થી વધુ વાછરડી કે પાડીઓ તૈયાર કરી શકાય છે. આ ટેકનોલોજીનો લાભ સ્થાનિક પશુપાલકો સુધી પહોંચાડવા ભીલડી ખાતે ૨૩૦ વીઘા જમીનમાં અદ્યતન એમ્બ્રિયો સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ કેન્દ્રનું લોકાર્પણ આગામી ૩૦મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે.
૧,૦૦૦ પ્રગતિશીલ બ્રીડર્સને વિશેષ તાલીમ
અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, બનાસ ડેરીના માધ્યમથી સ્થાનિક કક્ષાએ ૧,૦૦૦ પ્રગતિશીલ બ્રીડર્સને વિશેષ તાલીમ આપીને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોથી સામાન્ય ખર્ચ અને માવજતમાં પશુપાલકોનું દૂધ ઉત્પાદન બમણાથી પણ વધુ થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું.
જીનોમિક્સ ટેકનોલોજી અંગે તેમણે જણાવ્યું કે, જન્મ સમયે વાછરડી કે પાડીના લોહીના નમૂનાથી તેની ભવિષ્યની દૂધ ઉત્પાદન ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિનો અંદાજ મેળવી શકાય છે. કાંકરેજી દેશી ગાયો, ઉચ્ચ ઓલાદની ભેંસો અને ૫૦ લિટર સુધી દૂધ આપતી એચ.એફ. ગાયોના સંવર્ધન દ્વારા વિજ્ઞાન અને પરંપરાગત વિરાસતનો સમન્વય કરીને પશુપાલકોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાની દિશામાં કામગીરી થઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, પંચાયતના પદાધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના ઈજનેરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.