
છેવાડાના ખેડૂતો સુધી નિયમિત પાણી પહોંચાડવા રજૂઆત
વાવ-થરાદ જિલ્લામાં શિયાળુ સિઝન નજીક આવતાં નર્મદા કેનાલોની સફાઈ અને સમારકામનો મુદ્દો સામે આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, અનેક કેનાલોમાં ઝાડી-ઝાંખરા, માટી અને ગાબડાં જોવા મળે છે, જ્યારે કેટલીક જગ્યાએ કેનાલો તૂટેલી હાલતમાં છે. આવી સ્થિતિમાં સિંચાઈનું પાણી સમયસર મળશે કે કેમ તે અંગે ખેડૂતોમાં ચિંતા વધી છે.
વાવ-થરાદનો સરહદી વિસ્તાર સિંચાઈ માટે નર્મદાના પાણી પર મોટાપાયે નિર્ભર છે. ખેડૂતો કેનાલના પાણીના ભરોસે જીરું, એરંડા, ઈસબગુલ અને રાયડા સહિતના રવિ પાકોનું વાવેતર કરે છે. શિયાળુ સિઝન નજીક હોવા છતાં કેનાલોની જરૂરી કામગીરી પૂર્ણ ન થઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, કુંડાળિયા કેનાલના રજવાડા વિસ્તારમાં આવતા બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત નંબર સહિતના ફાટિયાંમાં માટી ભરાઈ ગઈ છે. યોગ્ય સફાઈના અભાવે પાણીનો પ્રવાહ અવરોધાવાની અને તૂટેલા ભાગોમાંથી પાણી બહાર વહી જવાની શક્યતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ખેડૂતોનો દાવો છે કે દર વર્ષે શિયાળા પહેલાં કેનાલોમાંથી ઝાડી-ઝાંખરા દૂર કરવા, માટી કાઢવા, ગાબડાં પૂરવા અને તૂટેલા ભાગોનું સમારકામ કરવામાં આવે છે. જોકે, આ વખતે પૂરતી કામગીરી થઈ નથી. નર્મદા વિભાગમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તેમ ખેડૂતોનું કહેવું છે.
કુંડાળિયા વિસ્તારના ખેડૂતોએ કેનાલોની સફાઈ સાથે નિયમિત સિંચાઈનું પાણી આપવાની પણ માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, ક્યારેક પાણી છોડ્યા બાદ લાંબા સમય સુધી પુરવઠો બંધ રહેતાં ખેતી ઉપરાંત પશુપાલન માટે પણ મુશ્કેલી સર્જાય છે.
ચોમાસામાં નુકસાન સહન કર્યા બાદ ખેડૂતોને હવે શિયાળુ પાકથી નુકસાનની ભરપાઈ થવાની આશા છે. આવી સ્થિતિમાં કેનાલોની સમસ્યા યથાવત રહે તો વાવેતર અને પાકની સિંચાઈને અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતોએ નર્મદા વિભાગને તાત્કાલિક સ્થળ તપાસ કરી કેનાલોની સફાઈ, ઝાડી-ઝાંખરાનું કટિંગ, માટી દૂર કરવાની કામગીરી અને તૂટેલા ફાટિયાંનું સમારકામ હાથ ધરવા માંગ કરી છે. સાથે જ શિયાળુ સિઝનમાં છેવાડાના ખેડૂતો સુધી નિયમિત સિંચાઈનું પાણી પહોંચાડવા અપીલ કરી છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.