
રમતો અંતર્ગત અંડર-૧૪, ૧૭ અને ૧૯ વયજૂથની સ્પર્ધાનું આયોજન
ડીસા, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતો અંતર્ગત ડીસાના તાલુકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ વયજૂથના શાળાકીય રમતવીરો માટે યોજાયેલી સ્પર્ધાનો શુભારંભ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહનવ્યવહારના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને થયો હતો.
રમતવીરોને પ્રતિભા દર્શાવવાની તક
આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શાળાકીય રમતવીરોને કબડ્ડીના માધ્યમથી પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી રહી છે તે આનંદની બાબત છે. રાજ્ય સરકાર રમતવીરોને રમતગમત માટે જરૂરી સુવિધાઓ અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા સતત પ્રયત્નશીલ છે.
કબડ્ડીના જાણીતા ખેલાડી પ્રદીપ નરવાલની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, કોઈ ખેલાડી રેકોર્ડ સ્થાપિત કરે છે તો આગળની પેઢીમાંથી તેને તોડનાર ખેલાડી પણ તૈયાર થાય છે. તેથી યુવા રમતવીરોએ નવા રેકોર્ડ સ્થાપિત કરવાનો સંકલ્પ કરીને આગળ વધવું જોઈએ.
સફળતા માટે મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ જરૂરી
મંત્રીશ્રીએ રમતગમતમાં સફળતા માટે મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નનું મહત્ત્વ સમજાવ્યું હતું. મેજર ધ્યાનચંદ અને પી.ટી. ઉષા સહિતના મહાન ખેલાડીઓનાં ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ ખેલાડીઓએ પોતાના ક્ષેત્રમાં સ્થાપિત કરેલા માપદંડોને આગળની પેઢીએ વધુ ઊંચાઈએ લઈ જવાના છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના શાળાકીય રમતવીરો કબડ્ડીમાં નવા રેકોર્ડ સ્થાપિત કરીને રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
કબડ્ડી સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ખેલદિલી, શિસ્ત અને ટીમ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ઓફિસર કમલા પાલ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર મહેશભાઈ પટેલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના અધિકારી-કર્મચારીઓ, ડીસાના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, રમતવીરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.