
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક; આવાસ, રોજગાર, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની યોજનાઓની કામગીરીનો અહેવાલ રજૂ કરાયો
પાલનપુર: બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ વિભાગો અને તમામ નગરપાલિકાઓની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓએ વિગતો રજૂ કરી હતી.
બેઠક દરમિયાન સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના સહિતની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાલનપુર હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત આઈસીડીએસ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), ઈ-ગ્રામ યોજના, સર્વ શિક્ષા અભિયાન અને ખેતીવાડી વિભાગ સહિતના વિભાગોએ તેમની કામગીરીના અહેવાલ રજૂ કર્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે રજૂ થયેલી વિગતો અંગે જરૂરી સૂચનો આપ્યાં હતાં.
બનાસકાંઠાના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગોએ પરસ્પર સુમેળ સાથે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી હોવાનું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું. તેમણે વિકાસલક્ષી યોજનાઓની કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.
સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને વધુમાં વધુ નાગરિકો તેનો લાભ મેળવી શકે તે દિશામાં કામગીરી કરવા તેમણે અધિકારીઓને આહ્વાન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.