
ડીસા: ડીસા તાલુકાના વાસડા ગામે સ્કોર્પિયો કારની ટક્કરથી દેવાજી જામાજી સોલંકી નામના આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે ફરાર થઈ જતાં ડીસા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ડીસા તરફથી આવતી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રસ્તા પર જઈ રહેલા વાસડા ગામના દેવાજી જામાજી સોલંકીને ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામલોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન દેવાજી જામાજી સોલંકીનું મોત નીપજ્યું હતું. તેમના મૃત્યુના સમાચારથી પરિવારમાં અને વાસડા ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી.
બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાનાં ફૂટેજના આધારે વાહનનો નંબર મેળવી ચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે ડીસા તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.