
પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ શક્ય: કુલપતિ પ્રો. આર. એસ. ચંદેલ
ડીસા તાલુકાના વાસડા ગામ ખાતે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે ગ્રામસભા અને જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. આર. એસ. ચંદેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૦ જેટલા ખેડૂતો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગ્રામસભાની શરૂઆતમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલે સ્વાગત પ્રવચન આપીને કાર્યક્રમના હેતુઓ સમજાવ્યા હતા. તેમણે પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ કરી હતી. સંશોધન નિયામક ડૉ. એસ. ડી. સોલંકીએ પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક મહત્વ અંગે માર્ગદર્શન આપીને ખેડૂતોને રાસાયણિક ખાતરોમુક્ત ખેતી પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું હતું.
અધ્યક્ષીય ઉદ્બોધનમાં કુલપતિ પ્રો. આર. એસ. ચંદેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને યુનિવર્સિટી પ્રાકૃતિક કૃષિ મિશન દ્વારા જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે સઘન પ્રયાસો કરી રહી છે.
તેમણે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, મિત્ર કીટકો અને અળસિયાંની સંખ્યામાં વધારો તેમજ જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓના સંવર્ધન અંગે વિસ્તૃત સમજ આપી હતી. પ્રાકૃતિક કૃષિના પરિણામો પ્રત્યક્ષ નિહાળવા ખેડૂતો અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતો સાથે સીધો સંવાદ યોજાયો હતો. ખેતી સંબંધિત તેમની મૂંઝવણો અને પ્રશ્નોનું તજજ્ઞોએ સ્થળ પર જ નિરાકરણ કર્યું હતું. ગ્રામસભા બાદ વાસડા ગામમાં જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી. યુનિવર્સિટીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક કૃષિના પ્રેરક સૂત્રોચ્ચાર સાથે ગામમાં પરિભ્રમણ કરીને ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવી હતી.
આ પ્રસંગે સંશોધન નિયામક ડૉ. એસ. ડી. સોલંકી, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ, સી. પી. કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડૉ. એચ. એસ. ભદોરીયા, કુલસચિવ ડૉ. પી. ટી. પટેલ સહિત યુનિવર્સિટીના અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ, ગામના આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો અને વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.