
ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો; સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયાસ
દાંતીવાડા: ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ‘સેવા સેતુ 2.0’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 10થી વધુ ગામના અરજદારોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતોનું વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી તથા વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાનો કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે કામગીરી કરી હતી. સ્થાનિક સ્તરે જ પ્રશ્નોનું નિરાકરણ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, દાંતીવાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન નટુભાઈ ચૌધરી, દાંતીવાડા મામલતદાર અંકુરભાઈ મહીવાલ, જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ વાઘેલા અને તાલુકા પંચાયત સદસ્ય અનારસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત વિષ્ણુભાઈ જોષી, હરનાથભાઈ પટેલ, સરપંચ જામતસિંહ વાઘેલા સહિત સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.