
થરાદ: દિવાળીના તહેવારો શરૂ થાય તે પહેલાં વાવ-થરાદ જિલ્લાના તમામ રેશનકાર્ડધારકો અને છેવાડાના નાગરિકો સુધી નિયત માત્રામાં અનાજ તથા આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી પહોંચે તે સુનિશ્ચિત કરવા ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર કલ્પેશકુમાર શર્માએ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી છે.
થરાદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠકમાં રાશન વિતરણ, આધાર ઈ-કેવાયસી અને વ્યાજબી ભાવની દુકાનોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
વ્યાજબી ભાવની દુકાનોના સ્થળ ફેરફાર અને મર્જ કરવા અંગે ચર્ચા
જિલ્લામાં સાર્વજનિક વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સુદ્રઢ બનાવવાના હેતુથી વ્યાજબી ભાવની દુકાનોનું જાહેરનામું બહાર પાડવા, જરૂરિયાત મુજબ દુકાનોના સ્થળ ફેરફાર કરવા તથા દુકાનો મર્જ કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
બેઠકમાં જિલ્લામાં કાર્યરત વ્યાજબી ભાવની દુકાનોની સ્થિતિ, અનાજના ભાવ અને પ્રમાણ, જથ્થાની ઉપલબ્ધતા, સીબીડીસી (CBDC) ડેઇલી રિપોર્ટ, વિતરણ પત્રક અને પુરવઠા તપાસણીની કામગીરીની વિગતો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મારફત રજૂ કરવામાં આવી હતી.
તહેવારોમાં રાશન મેળવવામાં નાગરિકોને અગવડ ન પડે તેની તકેદારી
કલેક્ટર કલ્પેશકુમાર શર્માએ દિવાળીને અનુલક્ષીને વહીવટી તંત્રને સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. તમામ કાર્ડધારકોને તહેવારો પહેલાં નિયત માત્રામાં રાશન મળી રહે તે બાબતને પ્રાથમિકતા આપવા તેમણે જણાવ્યું હતું.
આ સાથે રેશનકાર્ડધારકોની બાકી રહેલી આધાર ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા, વિતરણ વ્યવસ્થાનું સતત નિરીક્ષણ રાખવા અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જરૂરી તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, અધિક કલેક્ટર તુષાર જાની, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.