
ડીસા નજીક ભોપાનગર ફાટક પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જુનાડીસાના આશાસ્પદ યુવાન અમીત બાબુભાઈ પુનડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં શોક છવાયો છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.
ડીસાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા
મળતી માહિતી મુજબ, સોમવારે ભોપાનગર ફાટક નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પરથી નીચે પટકાયેલા અમીત બાબુભાઈ પુનડિયા ડમ્પરના ટાયર નીચે આવી જતાં ગંભીર રીતે ઘવાયા હતા.
તેમને સારવાર માટે પ્રથમ ડીસા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓ જીવલેણ નીવડતાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત થયું હતું.
ઓવરબ્રિજ અને રોડનાં કામ વચ્ચે માર્ગસુરક્ષાનો પ્રશ્ન
બનાસકાંઠા જિલ્લાને પાટણ અને સૌરાષ્ટ્ર સાથે જોડતા આ હાઇવે પર ભોપાનગર ફાટક નજીક ઓવરબ્રિજ અને આઠ માર્ગીય રોડનું કામ એકસાથે ચાલી રહ્યું છે. સ્થાનિકોની રજૂઆત મુજબ, આ વિસ્તારમાં રેતી ભરેલાં વાહનોની અવરજવરથી ટ્રાફિકજામ અને અકસ્માતનું જોખમ ઊભું થાય છે.
રેતી ભરેલાં વાહનો પર નિયંત્રણની માંગ
આ દુઃખદ ઘટના બાદ બાંધકામ ચાલતું હોય તે વિસ્તારમાં રેતી ભરેલાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની લોકમાંગ પ્રબળ બની છે. વધુ કોઈ પરિવારને પોતાના સ્વજન ગુમાવવાનો વારો ન આવે તે માટે જવાબદાર તંત્ર તાત્કાલિક માર્ગસુરક્ષાનાં જરૂરી પગલાં ભરે તેવી સ્થાનિકોની લાગણી છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.