
નવરાત્રિ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા નવરાત્રિ’ ગરબાના આયોજન સ્થળે ડોમનો એક ભાગ ધરાશાયી થયો છે. આજે 9 ઓક્ટોબરે બનેલી ઘટનાની જાણ થતાં આયોજકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી.
11 ઓક્ટોબરથી ગરબાનું આયોજન
અમદાવાદ શહેરમાં નવરાત્રિને લઈને વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબાની તૈયારીઓ ચાલી રહી છે. કિર્તીદાન ગઢવીના ‘પરંપરા નવરાત્રિ’ ગરબા 11 ઓક્ટોબરથી શરૂ થવાના છે. તે પહેલાં જ આયોજન સ્થળે તૈયાર કરાયેલા ડોમનો એક ભાગ અચાનક બેસી જવાની ઘટના બની હતી.
અંદાજે 300થી 400 સ્ક્વેર ફૂટનો ભાગ પડ્યો
સરખેજ પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા મુજબ, ગરબા રમવા માટેના ડોમનો અંદાજે 300થી 400 સ્ક્વેર ફૂટનો ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.
ડોમ પડવાનું કારણ જાણવા તપાસ
ડોમનો ભાગ કેવી રીતે ધરાશાયી થયો તેનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. હાલ ઘટનાનું કારણ સ્પષ્ટ થયું નથી.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.