
તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના ગોડાઉન અને GIDCના ઉત્પાદન સ્થળે દરોડા; પરવાનગી વિના સંગ્રહ-વેચાણ થતું હોવાનું તંત્રનું નિવેદન
ડીસા: પ્રજાના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાલનપુર વર્તુળના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી મે. તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ સામે તપાસ હાથ ધરી હતી. પેઢીના ગોડાઉન અને GIDC ખાતેના ઉત્પાદન સ્થળે દરોડા દરમિયાન કુલ ₹૪,૮૨,૯૬૦ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
બ્રાન્ડેડ પેકિંગ સાથે લુઝ ઘી પણ તપાસના દાયરામાં
તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ‘પરિવાર કાઉ ઘી’નો ૪૨૯.૨ લિટર જથ્થો તથા ઉત્પાદન સ્થળેથી ૩૨૯ કિલોગ્રામ લુઝ ઘી મળી આવ્યું હતું. તંત્રએ બંને સ્થળેથી ઘીના નમૂના તપાસ માટે મોકલી સંબંધિત જથ્થો સીઝ કર્યો છે.
તંત્રના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં જરૂરી પરવાનગી વિના ઘીનો સંગ્રહ અને વેચાણ થતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
અગાઉ પણ કાર્યવાહી થઈ હોવાનો તંત્રનો ખુલાસો
તંત્રના જણાવ્યા મુજબ, આ પેઢી સામે અગાઉ પણ ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. અગાઉના કેટલાક નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં દંડ અને કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજસ્થાનના બાડમેરમાં લેવાયેલા બે નમૂના પણ અસુરક્ષિત જાહેર થયા હોવાની માહિતી મળી છે. જોકે, અગાઉના નમૂનાઓનાં પરિણામ અને હાલ સીઝ કરાયેલા જથ્થાની તપાસ અલગ બાબતો છે. હાલના જથ્થાની ગુણવત્તા અંગે નમૂનાઓનાં પરીક્ષણ પરિણામ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે.
સ્ટેટ લાઇસન્સ રદ થયા બાદ સેન્ટ્રલ લાઇસન્સથી પ્રવૃત્તિ ચાલુ
આપેલી માહિતી મુજબ, પેઢીનું અગાઉનું સ્ટેટ ઑથોરિટી લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેઢીએ સેન્ટ્રલ FSSAI લાઇસન્સ મેળવી પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આ બાબતે સેન્ટ્રલ ઑથોરિટીને જાણ કરવામાં આવી છે.
ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું છે.
હાલ સીઝ કરાયેલું ઘી શંકાસ્પદ છે. તપાસના અંતિમ પરિણામ પહેલાં તેને ભેળસેળયુક્ત કે નકલી હોવાનું નિશ્ચિત કહી શકાય નહીં.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.