
'૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત સંકલ્પ સભા યોજાઈ; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, વિવિધ તાલુકાઓમાંથી બાઇક રેલી પહોંચી
થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સંકલ્પ અભિયાન હેઠળ ‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો અને કાર્યકરોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે એકતા અને સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમમાં નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. વાવ–થરાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી યોજાયેલી બાઇક રેલીઓ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે પહોંચી હતી.
ગાયત્રી વિદ્યાલયથી બસ સ્ટેશન સુધી મશાલ યાત્રા
સભાના સમાપન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ મશાલ પ્રગટાવી ‘સેવા જ્યોત યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું હતું. ગાયત્રી વિદ્યાલયથી થરાદ બસ સ્ટેશન સુધી યોજાયેલી આ યાત્રા દ્વારા સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિધાનસભાના અધ્યક્ષ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
‘૨૫ વર્ષમાં નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો’: શંકરભાઈ ચૌધરી
સભાને સંબોધતાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન રાજ્ય અને દેશમાં કરેલી કામગીરીથી નાગરિકોના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે.
ભૂતકાળની સ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારમાં ઓછા વરસાદ સમયે લોકોને હિજરત કરવી પડતી હતી. અકસ્માત સમયે સારવારની અછત, મર્યાદિત વીજ પુરવઠો તેમજ શાળાઓમાં ઓરડા અને શિક્ષકોની અછત જેવા પ્રશ્નો પણ હતા.
તેમણે ૧૦૮ ઇમરજન્સી સેવા, નર્મદાનું પાણી, ૨૪ કલાક વીજળી, શિક્ષણ વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થામાં આવેલા પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો હતો. આ સુવિધાઓ વડાપ્રધાનના દૃઢ સંકલ્પથી શક્ય બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગામડાંના વિકાસના વીડિયો બનાવવા આહ્વાન
શંકરભાઈ ચૌધરીએ કાર્યકરો અને નાગરિકોને છેલ્લા ૨૫ વર્ષમાં ગામડાં અને સામાન્ય પરિવારોના જીવનમાં આવેલા વિકાસલક્ષી બદલાવના સરળ વીડિયો બનાવી લોકો સમક્ષ રજૂ કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વના અગ્રણી વિકસિત દેશોની હરોળમાં મૂકવા તથા દેશને ગરીબીમુક્ત અને સંપન્ન બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને દોહરાવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં અગ્રણી નરેશજી ઠાકોરે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખ રત્નીબેન પરમાર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, અગ્રણી પ્રીતિબેન પટેલ, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, અધિક જિલ્લા કલેક્ટર તુષાર જાની સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.