
ડીસાના મોટી આખોલમાં રિવરાઇન લેન્ડસ્કેપ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, બનાસ નદીકાંઠે હરિયાળી વધારાશે
મંત્રી પ્રવીણભાઈ માળીએ રાજ્યની ૧૮૫થી વધુ નદીઓના કિનારે વૃક્ષારોપણનો નિર્ધાર વ્યક્ત કર્યો; સ્થાનિક વૃક્ષ પ્રજાતિઓના વાવેતરને પ્રાધાન્ય અપાશે
ડીસા, બનાસકાંઠા: ડીસા તાલુકાના મોટી આખોલ ગામે રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે રિવરાઇન લેન્ડસ્કેપ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બનાસ નદીના કિનારે નદી પરિસરનું સંરક્ષણ, જૈવવિવિધતાનું જતન અને સ્થાનિક વૃક્ષ પ્રજાતિઓના વાવેતરને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની નદીઓના કિનારે હરિયાળી વધારવા તથા નદીકાંઠાના પર્યાવરણના સંરક્ષણના અભિગમ સાથે પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. બનાસ નદી પર માવળિયા માતાજીના મંદિરથી સોનેશ્વર મહાદેવ સુધીના પેચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નદીકાંઠાનું ધોવાણ અટકાવવા અને જૈવવિવિધતા જાળવવા પ્રયાસ
આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલી ૧૮૫થી વધુ નદીઓના કિનારે વૃક્ષારોપણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના કિનારેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે નદીકાંઠે વૃક્ષારોપણથી જૈવવિવિધતાનું જતન થાય, કાંઠાનું ધોવાણ અટકાવવામાં મદદ મળે અને સ્થાનિક વૃક્ષ પ્રજાતિઓનું સંરક્ષણ થાય, તે બાબતોને ધ્યાનમાં રાખીને વાવેતર કરવામાં આવી રહ્યું છે.
વિભાગોના સંકલનથી સરકારી જમીનો પર વૃક્ષારોપણ
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યની તમામ નદીઓની આસપાસ ઉપલબ્ધ જગ્યાઓ પર સંબંધિત વિભાગોના સંકલનથી વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમાં સિંચાઈ વિભાગની જમીન, નદીકિનારાની જગ્યા, ગ્રામ પંચાયતની જમીન તથા અન્ય સરકારી જમીનોનો સમાવેશ થશે.
બનાસ નેચરલ ટ્રેલ વિકસાવવાનું આયોજન
પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં બનાસ નેચરલ ટ્રેલ વિકસાવવાનું આયોજન છે. તેના થકી લોકો કુદરતની વચ્ચે ચાલીને નદીકાંઠાના પ્રાકૃતિક સૌંદર્ય અને જૈવવિવિધતાનો અનુભવ કરી શકશે.
સમગ્ર કામગીરી વન વિભાગની સામાજિક વનીકરણ શાખા, બનાસકાંઠા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પર્યાવરણના સંરક્ષણ સાથે લોકોને કુદરત સાથે જોડાવાની તક ઊભી કરવાનો પણ આ પ્રોજેક્ટનો હેતુ છે.
ખાતમુહૂર્ત પ્રસંગે બનાસકાંઠાના વન સંરક્ષક રેણુકાબેન દેસાઈ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.