
રીસાલા બજારમાં પરવાના વગર ઘીનો સંગ્રહ મળી આવ્યો; નમૂનો સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયો
ડીસા શહેરના રીસાલા બજારમાં શાંતિ એપાર્ટમેન્ટ નીચે આવેલા ‘મે. સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ’ના ગોડાઉન પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠાની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આશરે ₹૧,૨૨,૦૦૦ની કિંમતનો ૧૮૮ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, તપાસમાં પેઢીના માલિક વિપુલભાઈ જયંતિલાલ પંચીવાલા દ્વારા માન્ય લાયસન્સ કે પરવાના વગર ઘીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. સંગ્રહિત ઘીની ગુણવત્તા શંકાસ્પદ જણાતાં અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી હતી.
૫૦૦ મિ.લિ.ના પેકમાંથી નમૂનો લેવાયો
અધિકારીઓએ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬’ હેઠળ ‘હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી’ના ૫૦૦ મિ.લિ. પેકનો નિયમાનુસાર નમૂનો લીધો હતો. આ નમૂનો ગુણવત્તાની ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં ફૂડ એનાલિસ્ટને મોકલવામાં આવ્યો છે. સ્થળ પરનો ૧૮૮ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો હતો.
પેઢી માલિક સામે કાયદાકીય કાર્યવાહી
આ મામલે જવાબદાર પેઢી માલિક વિરુદ્ધ સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્યના હિતમાં ખાદ્ય પદાર્થોના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે તપાસ તથા કાર્યવાહી ચાલુ રહેશે તેમ તંત્રએ જણાવ્યું છે.
ઘીમાં ભેળસેળ છે કે નહીં તે અંગે લેબોરેટરીના પરીક્ષણ બાદ સ્પષ્ટતા થશે. હાલ જથ્થાને શંકાસ્પદ ગણીને સીઝ કરવામાં આવ્યો છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.