
પાલનપુરથી વડગામ ‘સેવા સંકલ્પ બાઇક યાત્રા’નું ભવ્ય સ્વાગત; અર્જુનભાઈ મોઢવાડિયા સ્વયં બાઇક ચલાવી જોડાયા
નગાણામાં મહિલા પશુપાલક નવલબાની મુલાકાત લીધી; ‘વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત અગ્રેસર રહેશે’ તેમ મંત્રીશ્રીએ જણાવ્યું
બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬’ અંતર્ગત વારાણસીથી વડનગર તરફ આગળ વધી રહેલી બાઇક યાત્રાનું બનાસકાંઠા જિલ્લામાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિવિધ રાજ્યોમાંથી આવેલા બાઇક સવારોને આવકાર્યા હતા અને સ્વયં બાઇક ચલાવી પાલનપુરથી વડગામ સુધીની યાત્રામાં જોડાયા હતા.
મંત્રીશ્રીએ યાત્રિકો સાથે મુલાકાત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પણ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વડગામ ખાતે મંત્રીશ્રીએ જાહેર પુસ્તકાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
કોદરામમાં વૃક્ષારોપણ અને લાભાર્થીઓનું સન્માન
પવિત્ર કળશ રથ સાથે આગળ વધી રહેલી સેવા સંકલ્પ બાઇક યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સેવાકીય અને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. વડગામથી કોદરામ પહોંચેલી યાત્રા દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓનું સન્માન કરાયું હતું. કોદરામમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ યાત્રિકોને આવકાર્યા હતા.
‘નવી પેઢીને વિકસિત ભારત સોંપવાનો સંકલ્પ’
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વારાણસીથી વડનગર સુધીની આ યાત્રામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને સિક્કિમ સહિતનાં રાજ્યોના યુવાનો ઉત્સાહભેર જોડાયા છે. માર્ગમાં પ્રજાજનો અને હજારો બાળકોએ યાત્રાનું સ્વાગત કર્યું છે. ગુજરાતના સર્વાંગી વિકાસથી યુવા યાત્રિકો પ્રભાવિત થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય અને દેશની સેવામાં સમર્પિત કરેલા ૨૫ વર્ષ દરમિયાન થયેલા પરિવર્તનને આગળ ધપાવી વર્ષ ૨૦૪૭ સુધીમાં નવી પેઢીને ‘વિકસિત ભારત’ સોંપવાનું છે. તેમના જણાવ્યા અનુસાર, વિકસિત ભારતના નિર્માણમાં ‘વિકસિત ગુજરાત’ અગ્રેસર નેતૃત્વ પૂરું પાડશે.
નગાણામાં નવલબાના પશુપાલન વ્યવસાયનું નિરીક્ષણ
યાત્રા દરમિયાન મંત્રીશ્રીએ બાઇક સવારો સાથે વડગામ તાલુકાના નગાણા ગામનાં પ્રગતિશીલ મહિલા પશુપાલક નવલબેન દલસંગભાઈ ચૌધરીના ફાર્મહાઉસની મુલાકાત લીધી હતી. તેમણે પશુપાલન વ્યવસાયનું નિરીક્ષણ કરીને નવલબાના પરિશ્રમ અને વ્યવસ્થાપનને બિરદાવ્યાં હતાં.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ક્યારેય શાળાનું પગથિયું ન ચડ્યાં હોવા છતાં બાળપણથી પશુપાલન સાથે જોડાયેલાં નવલબા ખેડૂત અને પશુપાલક ભાઈ-બહેનો માટે પ્રેરણારૂપ છે. પરિવારમાં દીકરા-દીકરીઓ અને પુત્રવધૂઓ નોકરી કરતાં હોવા છતાં નવલબા આજે પણ સવારે ૪ વાગ્યે ઊઠીને ૨૦૦થી વધુ ભેંસો, ૩૦થી ૩૫ ગાયો અને ૫૦થી ૬૦ વીઘા જમીનનો વહીવટ જાતે સંભાળે છે.
મંત્રીશ્રીએ આપેલી વિગતો મુજબ, નવલબા રોજ આશરે ૧,૧૫૦ લિટર દૂધનું ઉત્પાદન કરે છે. તેઓ મહિને રૂ.૩૦ લાખ, એટલે કે વાર્ષિક રૂ.૩.૬૦ કરોડનું દૂધ ભરાવે છે અને ડેરીમાંથી વાર્ષિક રૂ.૭૫ લાખનો ભાવફેર પણ મેળવે છે.
નવલબાની કામગીરીને નારી સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ ગણાવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પરિશ્રમ કરવાની તત્પરતા ધરાવતા લોકો માટે તકોની કમી નથી. રાજ્યના સુવ્યવસ્થિત ડેરી નેટવર્કને કારણે પશુપાલકો બજારની ચિંતા વિના આત્મનિર્ભર બની શકે છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.