
૧૨થી વધુ ભૂગર્ભ રિચાર્જ કૂવા સહિત આધુનિક સુવિધાઓ; સરકારી સંપત્તિની જાળવણી માટે મંત્રીનું નાગરિકોને આહવાન
ડીસા ખાતે મામલતદાર કચેરી પરિસરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત **‘અટલ કર્મયોગી - જનસુવિધા સંકુલ’**નું લોકાર્પણ રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારી સંપત્તિ નાગરિકોના ટેક્સના નાણાંમાંથી તૈયાર થયેલી આપણી પોતાની મિલકત છે. તેથી ‘આ સંકુલ આપણું છે’ એવો આત્મીય ભાવ કેળવી તેની યોગ્ય જાળવણી કરવી એ સૌ નાગરિકોની સહિયારી નૈતિક જવાબદારી છે.
પાણી ભરાવવાની સમસ્યાના નિરાકરણ માટે વૈજ્ઞાનિક આયોજન
મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર, પરિસરમાં ભૂતકાળમાં સર્જાતી પાણી ભરાવવાની જટિલ સમસ્યાના કાયમી અને વૈજ્ઞાનિક નિરાકરણ માટે માર્ગ અને મકાન વિભાગે ઝીણવટભર્યું આયોજન કર્યું છે. આ સંકુલને વહીવટી સુવિધાની સાથે પર્યાવરણ અને જળસંચયના મોડેલ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
વરસાદી પાણીનો બગાડ અટકાવવા અને વોટર હાર્વેસ્ટિંગ મજબૂત બનાવવા સમગ્ર પરિસરનું વૈજ્ઞાનિક ઢબે મેપિંગ કરીને ૧૨થી વધુ ભૂગર્ભ રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે. આ કૂવાઓની ઉપર નાગરિકો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
પાર્કિંગ, પહોળા ફૂટપાથ અને હરિયાળી સાથે સુવિધાસભર પરિસર
નવનિર્મિત સંકુલમાં પેવર બ્લોકની વચ્ચે હરિયાળી જળવાઈ રહે તેવી ડિઝાઇન, સરળ અવરજવર માટે પહોળા ફૂટપાથ, પર્યાપ્ત પાર્કિંગ અને ઉત્તમ લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતા માટે કચરાપેટી તથા થૂંકદાની અને વિશેષ ગઝેબોની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સંકુલના તમામ કામોની ગુણવત્તાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ તેને લોકસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ડીસાના માર્ગો, આઇકોનિક રોડ અને નવી હોસ્પિટલના વિકાસનો ઉલ્લેખ
ડીસા અને બનાસકાંઠાના વિકાસ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનથી જૂના ડીસા રોડ, જૂના ડીસાથી ગઢ રોડ તથા સમો રોડ સહિતના માર્ગો ઉત્તમ ગુણવત્તા સાથે નિર્માણ પામ્યા છે. નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ અને અત્યાધુનિક નવી હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડીસા જેમ રાજ્યભરમાં જળક્રાંતિ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે, તેમ સમગ્ર બનાસકાંઠા જિલ્લો રાષ્ટ્રીય સ્તરે વિકાસનું મોડેલ બને તેવો સર્વગ્રાહી રોડમેપ તૈયાર છે.
દરેક ગામ પોતાની આગવી ઓળખ ઊભી કરે: મંત્રીશ્રી
ઉપસ્થિત સરપંચો અને તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યોને મંત્રીશ્રીએ દરેક ગ્રામ પંચાયત પોતાના ગામની આગવી વિશેષ ઓળખ ઊભી કરે તેવું આહવાન કર્યું હતું.
શિક્ષણ, રમત-ગમત સંકુલ, હરિયાળું ગામ અથવા જળસંચય જેવા ચોક્કસ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉપલબ્ધ સરકારી ગ્રાન્ટનું પાંચ વર્ષીય આયોજનબદ્ધ અમલીકરણ કરવા તેમણે ભાર મૂક્યો હતો. આવા આયોજનથી ગામડાંઓ શહેર સમકક્ષ બનશે અને ‘વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર થશે તેમ તેમણે જણાવ્યું હતું.
અંતમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત નાગરિકોને નવરાત્રિ તથા આગામી દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.