
ડીસા: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ખાતે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ ‘વન કવચ’નું લોકાર્પણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારી સાથે વૃક્ષારોપણને વેગ આપવા સંદેશ આપ્યો હતો.
‘એક પેડ માં કે નામ–૩.૦’ અભિયાન અંતર્ગત મંત્રી પ્રવીણભાઈ માળી અને ઉપસ્થિત મહેમાનોએ વન કવચ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
પક્ષીઓ અને જીવસૃષ્ટિ માટે આશ્રયસ્થાન બનશે વન
મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, કુચાવાડામાં વન કવચ અંતર્ગત એક હેક્ટર વિસ્તારમાં ૧૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં ૭૫થી વધુ વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ વન માત્ર હરિયાળી વધારવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ પક્ષીઓ, પતંગિયાં, ઈયળો સહિતની જીવસૃષ્ટિ માટે આશ્રયસ્થાન બનશે.
વનમાં ઔષધીય, ઇમારતી, ફળાઉ અને સુશોભિત સહિત વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. સમગ્ર વનને પાણી પહોંચાડવા ટપક સિંચાઈ પદ્ધતિની વ્યવસ્થા કરવામાં આવી છે.
ક્યુઆર કોડથી મળશે વૃક્ષોની માહિતી
બાળકોને વૃક્ષોની ઓળખ, વિશેષતાઓ અને ઉપયોગ અંગે જાણકારી મળે તે માટે વન વિસ્તારમાં વૃક્ષોનાં નામ સાથે ક્યુઆર કોડ મૂકવામાં આવ્યા છે. આ કોડ સ્કેન કરીને સંબંધિત વૃક્ષ અંગે માહિતી મેળવી શકાશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ મોડલને વિસ્તૃત કરીને આગામી સમયમાં કુચાવાડા ગામે ૨૫ હેક્ટર વિસ્તારમાં ‘મહાવન કવચ’ વિકસાવવાના પ્રયાસો કરવામાં આવશે.
વન કવચ અને ગ્રામ વન યોજના હેઠળ વ્યાપક વાવેતર
કાર્યક્રમમાં આપવામાં આવેલી વિગતો મુજબ, વન કવચના એક હેક્ટર વિસ્તારમાં ૧૦ હજારથી વધુ રોપાઓ અને ગ્રામ વન યોજના અંતર્ગત વધુ ૬,૪૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. બંને યોજનાઓ હેઠળ કુલ વાવેતરનો આંકડો ૧૬,૪૦૦ રોપા જણાવાયો હતો.
વન મહોત્સવના માધ્યમથી પર્યાવરણનું જતન, જૈવવિવિધતાનું સંરક્ષણ અને ભાવિ પેઢી માટે હરિયાળું પર્યાવરણ ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
છ તળાવોને પાઇપલાઇનથી જોડવાના પ્રયાસો કરાશે
મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, કુચાવાડા અને આસપાસના વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા વધારવા સરકાર અને સ્થાનિક આગેવાનોના સહયોગથી નર્મદાનું પાણી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગામનાં છ તળાવોને પાઇપલાઇન મારફતે એકબીજા સાથે જોડીને પાણીનો સંગ્રહ અને વિતરણ સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે વિસ્તારમાં રોડ, મોરેશ્વર તળાવની આસપાસ વૃક્ષારોપણ, રમતગમતની સુવિધાઓ અને ગામની અન્ય પ્રાથમિક જરૂરિયાતો માટે કામગીરી કરવામાં આવશે.
ધોરણ ૧૧ની મંજૂરી માટે પ્રયાસ કરવાની વાત
શિક્ષણની સુવિધાઓ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગામમાં ધોરણ ૯ અને ૧૦ની સુવિધા શરૂ થઈ છે. હવે ધોરણ ૧૧ની મંજૂરી માટે પણ પ્રયાસ કરવામાં આવશે.
તેમણે ગ્રામજનો અને ખાસ કરીને ખેડૂતોને બોર રિચાર્જ તથા જળસંચયની કામગીરીમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. આજના જળસંચયના પ્રયાસો આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્યનો આધાર બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં બનાસકાંઠા વન સંરક્ષક રેણુકાબેન દેસાઈ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.