
કાયદેસરની દત્તક પ્રક્રિયા બાદ બાળકને માતા-પિતાને સોંપાયું
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ (SJPU) અંતર્ગત ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર્સ (CWPO)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ તથા બાળ સુરક્ષા વિભાગ વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો હતો.
જુવેનાઈલ જસ્ટિસ એક્ટનું અસરકારક અમલીકરણ, કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોની સુરક્ષા તથા મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, પોક્સો (POCSO) એક્ટ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને બાળ અધિકારો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કટોકટીમાં બાળકોને ત્વરિત મદદ મળે, ક્ષેત્રિય સ્તરે CWPOનો સમયસર સહયોગ પ્રાપ્ત થાય અને સંબંધિત કેસોમાં કાયદા અનુસાર કાર્યવાહી થાય તે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ વિભાગ તરફથી પૂરતો સહયોગ આપવા તેમજ સંવેદનશીલ અભિગમ સાથે ત્વરિત કામગીરી કરવા તાકીદ કરી હતી.
બેઠકના વિશેષ ઉપક્રમે શિશુ ગૃહમાંથી કાયદેસરની દત્તક પ્રક્રિયા પૂર્ણ થયેલા એક બાળકને પોલીસ અધિક્ષકના હસ્તે તેના દત્તક માતા-પિતાને વિધિવત સોંપવામાં આવ્યું હતું. બાળકને પરિવારમાં આવકારતાં માતા-પિતા ભાવુક અને હર્ષિત બન્યાં હતાં. પોલીસ અધિક્ષકે બાળકને સુરક્ષિત, પ્રેમાળ અને સ્નેહપૂર્ણ પારિવારિક વાતાવરણ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
બેઠકમાં જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, બાળ કલ્યાણ સમિતિ (CWC)ના ચેરમેન અને સભ્યો, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB)ના સભ્યો, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ તથા ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.