
પી.એમ. શ્રી પે. કેન્દ્ર શાળામાં તાલુકા કક્ષાનો કલા-મહાકુંભ યોજાયો; સુગમ સંગીત, લગ્નગીત સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગીદારી
ડીસા: ડીસા તાલુકાના માલગઢ ગામની નિશાળવાળી ઢાંણી ખાતે આવેલી પી.એમ. શ્રી પે. કેન્દ્ર શાળામાં ડીસા તાલુકા કક્ષાના કલા-મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ કલા સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. શાળાના આચાર્ય દેવેન્દ્રભાઇ લીંબાચીયાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારંભના અધ્યક્ષ તરીકે લાયઝન ઓફિસર ભરતભાઇ ચૌધરી અને મુખ્ય મહેમાન તરીકે ડીસા બી.આર.સી. ભરતભાઇ ગુજોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા આચાર્ય સંઘના પ્રમુખ જયેશભાઇ જોષી, એસ.વી.એસ. કન્વીનર ચિરાગભાઇ પંચાલ, શાળાના આચાર્ય દેવેન્દ્રભાઇ લીંબાચીયા, માલગઢ આદર્શ હાઇસ્કૂલના પ્રમુખ અમૃતલાલ પી. પઢિયાર, કલા-મહાકુંભ કન્વીનર મિલનભાઇ રાવલ અને સહ કન્વીનર મુકેશભાઇ પી. પઢિયાર હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ડીસાના ધારાશાસ્ત્રી અને એસ.એમ.સી. સભ્ય મનહરભાઇ બી. ગેલોત, માલગઢના સી.આર.સી. વિરલબેન રાવલ, એસ.એમ.સી. અધ્યક્ષ જગદીશભાઇ સુંદેશા, પીન્ટુભાઇ વાળંદ અને મહેન્દ્રભાઇ ચૌધરી સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કલા-મહાકુંભ અંતર્ગત સુગમ સંગીત, લગ્નગીત અને વિવિધ કલા ક્ષેત્રની સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધક વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક રજૂઆતોથી મહેમાનો અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નિર્ણાયકોએ સ્પર્ધાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ગંગેશભાઇ સુથારે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માલગઢ પી.એમ. શ્રી પે. કેન્દ્ર શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. શાળા પરિવારના સુચારૂ આયોજનથી તાલુકા કક્ષાનો કલા-મહાકુંભ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.