
ડીસા, કુંપટ: નવરાત્રીની આઠમે હજારો ગ્રામજનો જોડાયા; ઢોલ-નગારાં સાથે ભવ્ય સ્વાગત અને પાઘડી-ફૂલહારથી આગેવાનોનું સન્માન
માતાજીના જયકાર, ઢોલ-નગારાંનો નાદ અને ગ્રામજનોનો ઉત્સાહ… ડીસા તાલુકાના કુંપટ ગામે નવરાત્રીની આઠમની રાત્રે ભક્તિ અને ભાઈચારાનો સંગમ સર્જાયો હતો. સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા મા શીતળાનાં દર્શન કરવા અને ચૂંદડી અર્પણ કરવા પધાર્યા હતા. આ અવસરે તેમણે રૂપિયા ૫૧ હજારનું દાન અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
ઢોલ-નગારાં સાથે સ્વાગત, ગ્રામજનોમાં ઉત્સાહ
બહાદુરસિંહ વાઘેલાના આગમન સમયે ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામના યુવાઓ અને જય શીતળા માતા યુવક મંડળ દ્વારા મહેમાનો તથા સમાજના આગેવાનોને પાઘડી પહેરાવી અને ફૂલહાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં ગ્રામજનોની હાજરીથી સમગ્ર પ્રસંગ ભક્તિમય બન્યો હતો.
“દીકરા-દીકરીઓ કલેક્ટર અને ઉચ્ચ અધિકારી બને” તેવી ભાવના
ધાર્મિક પ્રસંગે બહાદુરસિંહ વાઘેલાએ શિક્ષણનું મહત્ત્વ સમજાવતાં સમાજને શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો. તેમણે સમાજના દીકરા-દીકરીઓ અભ્યાસમાં પ્રગતિ કરે અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ બને તેવી ભાવના વ્યક્ત કરી હતી.
પરંપરાગત રાસ-ગરબાથી જીવંત રહી ગામની સંસ્કૃતિ
કુંપટ ગામમાં નવરાત્રીની જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. પરંપરાગત રાસ-ગરબા અને માતાજીની આરાધનામાં યુવાઓથી લઈને વડીલો સુધી સૌ જોડાય છે. નવરાત્રી ઉપરાંત પણ ગામમાં અવારનવાર ધાર્મિક પ્રસંગો યોજાય છે, જેમાં ગ્રામજનો સાથે મળીને સહયોગ આપે છે.
પ્રાપ્ત સ્થાનિક અહેવાલ મુજબ, છેલ્લા પંદર વર્ષમાં કુંપટ ગામમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. ગામમાં પરંપરા અને ધાર્મિક આસ્થા જાળવવાની સાથે શિક્ષણ પ્રત્યે પણ જાગૃતિ વધી રહી છે. સામૂહિક પ્રસંગોમાં જોવા મળતી સહભાગિતા ગામના ભાઈચારા અને એકતાને ઉજાગર કરે છે.
આગેવાનો અને યુવક મંડળની સહભાગિતા
આ પ્રસંગે દરબાર સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા, તારસિંહ મગનસિંહ દરબાર, કિરણસિંહ, વિજયસિંહ દરબાર, બકુસિંહ દરબાર તથા પૂર્વ ડેલિગેટ ગુણવંતસિંહ મગનસિંહ દરબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના યુવાઓ અને જય શીતળા માતા યુવક મંડળે મહેમાનોના સ્વાગત તથા આયોજનમાં સહયોગ આપી પ્રસંગની શોભા વધારી હતી.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.