
માલગઢમાં યોજાયેલી સ્પર્ધાના નિયમો, આયોજન અને રેફરીની નિષ્પક્ષતા અંગે સવાલો; રજૂઆતો છતાં સંતોષકારક પ્રતિસાદ ન મળ્યાનો ખેલાડીઓનો આક્ષેપ
ડીસા: ડીસા તાલુકાના ખેલ-મહાકુંભ-2026 અંતર્ગત માલગઢ ગામની શેઠ એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલમાં યોજાયેલી ખો-ખો ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક ખેલાડીઓએ સ્પર્ધાના નિયમો અને આયોજન અંગે સવાલો ઉઠાવી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ તથા નિયમો મુજબ ન્યાય આપવાની માંગ કરી છે.
મળેલી માહિતી મુજબ, ટુર્નામેન્ટ દરમિયાન અન્યાય થયો હોવાની પ્રાથમિક જાણ થતાં સ્થળ પર જઈ ખેલાડીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક ખેલાડીઓએ જણાવ્યું હતું કે, સ્પર્ધા સંબંધિત તેમની રજૂઆતો છતાં યોગ્ય પ્રતિસાદ કે નિરાકરણ મળ્યું નથી. તેના કારણે ખેલાડીઓમાં નિરાશાની લાગણી જોવા મળી હતી તેવા આક્ષેપોથઈરહ્યાછે.
શિક્ષકો અને તાલુકા કન્વીનર સમક્ષ રજૂઆત
ખેલાડીઓના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે માલગઢની શેઠ એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલના વ્યાયામ શિક્ષક મુકેશભાઇ પી. પઢિયાર, ડીસા આદર્શ હાઇસ્કૂલના વ્યાયામ શિક્ષક ઇશ્વરભાઇ રાવળ તથા માલગઢ પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષક મોતીભાઇ માળીને જાણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત વિવિધ શાળાઓમાંથી આવેલા વ્યાયામ શિક્ષકો સમક્ષ પણ રજૂઆત કરાઈ હોવાનું ખેલાડીઓએ જણાવ્યું હતું. જોકે, તેમની ફરિયાદ અંગે સંતોષકારક જવાબ કે નિરાકરણ મળ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખેલાડીઓએ ડીસા તાલુકાના કન્વીનર વસ્તાભાઇ ચૌધરીને પણ સમગ્ર બાબતની જાણ કરી હતી. ખેલાડીઓના આક્ષેપ મુજબ, ત્યાંથી પણ સંતોષકારક આશ્વાસન મળ્યું ન હતું.
સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડી જ રેફરી બને તો નિષ્પક્ષતા કેવી રીતે જળવાય?
ખેલાડીઓએ રેફરીની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, સ્પર્ધામાં ભાગ લઈ રહેલો ખેલાડી જ રેફરી તરીકે ફરજ બજાવે તો નિર્ણયોની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ મુદ્દે ખેલ-મહાકુંભના લાગુ નિયમો મુજબ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ ખેલાડીઓએ તાલુકા કક્ષાની ટુર્નામેન્ટ દરમિયાન તાલુકા કન્વીનરની યોગ્ય હાજરી અને દેખરેખ જરૂરી હોવાનું જણાવ્યું છે. તેમના મતે, અસરકારક દેખરેખથી આયોજનમાં ગેરસમજ અને વિવાદની સ્થિતિ અટકાવી શકાય છે.
રાજ્ય સરકાર અને સંચાલકો સમક્ષ ન્યાયની માંગ
ખેલાડીઓએ સમગ્ર મામલે ગુજરાત રાજ્ય સરકાર અને ખેલ-મહાકુંભના સંચાલકો સમક્ષ રજૂઆત કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સ્પર્ધાનું આયોજન, નિયમોનું પાલન અને રેફરીની નિમણૂક સહિતના મુદ્દાઓ તપાસીને નિયમો મુજબ યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી તેમની માંગ છે.
નોંધ: આ અહેવાલ ખેલાડીઓની રજૂઆતો અને આક્ષેપો પર આધારિત છે. આપેલી વિગતોમાં સંબંધિત શિક્ષકો, તાલુકા કન્વીનર અથવા આયોજકોનો સત્તાવાર પ્રતિભાવ ઉપલબ્ધ નથી. આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી; તપાસ અને સંબંધિત પક્ષોના પ્રતિભાવ બાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.