
ડીસાની સ્પોર્ટ્સ ક્લબનું વિશાળ મેદાન રાત્રિ દરમિયાન ભક્તિ અને ગરબાના રંગે રંગાયું હતું. નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટેલા ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમીને માહોલ જમાવ્યો હતો. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી. કોટવાલના હસ્તે માતાજીની આરતી થયા બાદ ગરબાની રમઝટ શરૂ થઈ હતી.
પીઆઇ કોટવાલના હસ્તે આરતીથી ભક્તિમય શરૂઆત
મહોત્સવમાં પધારેલા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી. કોટવાલનું આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના હસ્તે માતાજીની આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન ઉપસ્થિત આયોજકો અને ખેલૈયાઓ માતાજીની ભક્તિમાં જોડાયા હતા.
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.આર. ખત્રી તેમના કાફલા સાથે આરતી બાદ કાર્યક્રમમાં પધાર્યા હતા. આયોજક મંડળે તેમનું પણ ભવ્ય સ્વાગત કર્યું હતું.
મેદાનમાં ઉમટેલા ખેલૈયાઓએ જમાવ્યો રંગ
આરતી પૂર્ણ થયા બાદ ગરબાની શરૂઆત થતાં જ ખેલૈયાઓ ઉત્સાહ સાથે ગરબે ઝૂમી ઊઠ્યા હતા. વિશાળ મેદાનમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓની હાજરીથી નવરાત્રીનો રંગ વધુ ખીલ્યો હતો. ખેલૈયાઓના ઉત્સાહ અને ભાગીદારીને જોઈ આયોજકોમાં પણ આનંદ છવાયો હતો.
દીપકભાઈ ભગવતી અને પિન્ટુભાઈ સહિતના આયોજકોની જહેમત
ભગવતી જંક્શનના માલિક દીપકભાઈ ભગવતી અને પિન્ટુભાઈ સહિતના આયોજકો દ્વારા સ્પોર્ટ્સ ક્લબના વિશાળ મેદાનમાં આ ભવ્ય ગરબા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ખેલૈયાઓ ગરબાનો આનંદ માણી શકે તે માટે મેદાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ભક્તિ સાથે ગરબાની રમઝટ અને ખેલૈયાઓની ઉત્સાહભેર હાજરીને કારણે આ આયોજન ડીસા શહેર સહિત આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.