
રમેશભાઇ હરગોવનભાઇ ભાટીના હસ્તે લોકાર્પણ; નવિનભાઇ મોદીએ લોકફાળો અને દાતાઓના સહયોગથી નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું
ડીસા તાલુકાના જૂનાડીસાથી રાજપુર રોડ પર રેલવે ગરનાળા નજીક સરયુનગરમાં અબોલ પક્ષીઓને ચણ મળી રહે તે માટે નિર્માણ કરાયેલા સુંદર ચબૂતરાનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જૂનાડીસાની સેવા સહકારી મંડળીના પ્રમુખ અને દાનવીર રમેશભાઇ હરગોવનભાઇ ભાટીના વરદ હસ્તે આ ચબૂતરો ખુલ્લો મુકાયો હતો.
સરયુનગર આશ્રમના બ્રહ્મલીન મહાત્માના શિષ્ય ગોવિંદદાસ મહારાજની પાવન નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્વાન શાસ્ત્રી અલ્પેશભાઇએ મંત્રોચ્ચાર કર્યા હતા. પક્ષીઓ પ્રત્યે જીવદયાની ભાવના સાથે તૈયાર થયેલો આ ચબૂતરો જૂનાડીસાથી ડીસા જતા પ્રવાસીઓ અને સરયુનગરના લોકો માટે સેવાકાર્યનું પાવન સ્થળ બન્યો છે.
આ પ્રસંગે પૂર્વ માનવ સેવા સમિતિના સંચાલક અને પૂર્વ સૂરસાગર કલા વૃંદના કન્વીનર રમેશભાઇ બી. મહેતાએ જણાવ્યું હતું કે, “વિશાળ જગ વિસ્તાર નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ.” તેમણે ઉમેર્યું હતું કે, અબોલ પક્ષીઓ માટે આ ચબૂતરો ભોજનાલય અને આરામગૃહ બની રહેશે.
ચબૂતરાના નિર્માણ માટે યુવા અને ઉત્સાહી સેવાભાવી કાર્યકર નવિનભાઇ મોદીએ તનતોડ મહેનત કરી લોકફાળો એકત્ર કર્યો હતો. સાથી મિત્રો અને દાતાઓના સહયોગથી તેમણે આ અભિનંદનીય સેવાકાર્ય સાકાર કર્યું હતું.
કાર્યક્રમમાં સિનિયર કલાકાર રમેશભાઇ ગોહીલ, ભાજપ બક્ષીપંચ જિલ્લા કાર્યાલય મંત્રી હસમુખભાઇ મોદી, નેનાજી માળી, ગિરીશભાઇ સોની, હસમુખભાઇ સોની, સેવા સહકારી મંડળીના મંત્રી રાકેશભાઇ માળી તથા યુવા સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સરયુશરણ મહારાજના ખાસ શિષ્ય ભરતભાઇ માળીએ પણ પ્રસંગે હાજરી આપી હતી.
તસવીર કેપ્શન: જૂનાડીસાના સરયુનગરમાં પક્ષીઓ માટે બનાવાયેલા ચબૂતરાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને સેવાભાવી કાર્યકરો.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.