
૩૦ લિટર મુદત વીતી ગયેલા ઘીનો સ્થળ પર નાશ; અગાઉ પણ બે નમૂના ગુણવત્તાના ધોરણોથી ઊતરતા જાહેર થયા હતા
ડીસા: ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ડીસાની ‘મે. બહુચર ડેરી પ્રોડક્ટ્સ’ પેઢીમાં તપાસ હાથ ધરી રૂ. ૨૮,૬૦૦ની કિંમતનો ૪૪ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ રૂ. ૧૯,૫૦૦ની કિંમતના મુદત વીતી ગયેલા ૩૦ લિટર ‘કવિરાજ બ્રાન્ડ ઘી’નો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ઉત્પાદન અને પેકિંગ દરમિયાન તપાસ
તંત્રના જણાવ્યા મુજબ, તપાસ સમયે પેઢીના માલિક સાગરકુમાર શંકરલાલ ચોખાવાલા સ્થળ પર ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરતા હોવાનું જણાયું હતું. અધિકારીઓએ લૂઝ ઘીનો નમૂનો પ્રયોગશાળામાં તપાસ માટે મોકલી ૪૪ કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો. હાલ આ ઘી શંકાસ્પદ છે અને તેની ગુણવત્તા અંગે પ્રયોગશાળાના અહેવાલ બાદ સ્પષ્ટતા થશે.
તપાસમાં ‘કવિરાજ બ્રાન્ડ ઘી’ના ૧૦૦ મિલીના ૧૫૦ પેકેટ અને ૨૦૦ મિલીના ૭૫ પેકેટની મુદત પૂરી થઈ હોવાનું જણાયું હતું. કુલ ૨૨૫ પેકેટમાં રહેલા ૩૦ લિટર ઘીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
લાયસન્સના સરનામાથી અલગ સ્થળે ઉત્પાદન
તંત્રની વિગતો મુજબ, પેઢીએ પ્લોટ નં. ૨૩, પી.એન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીઆઈડીસી રોડ, ડીસાના સરનામા માટે સેન્ટ્રલ ઓથોરિટી પાસેથી લાયસન્સ મેળવ્યું હતું. જોકે, પ્લોટ નં. ૩૦, બનાસ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, ડીસા ખાતે જરૂરી પરવાના વિના ઉત્પાદન અને વ્યવસાય કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાયું હતું.
અગાઉની કાર્યવાહીમાં શું સામે આવ્યું હતું?
આ પેઢી સામે અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તા. ૦૭ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ ‘પ્રભુશ્રી કાઉ ઘી’નો નમૂનો લઈ રૂ. ૪,૧૫,૯૩૩ની કિંમતનો ૭૩૪ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો. પ્રયોગશાળાના અહેવાલમાં આ નમૂનો ગુણવત્તાના નિર્ધારિત ધોરણો કરતાં ઊતરતો એટલે કે ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયો હતો.
તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ‘કવિરાજ કાઉ ઘી’નો નમૂનો લઈ રૂ. ૨,૫૧,૪૪૦ની કિંમતનો ૪૪૯ કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. ત્યારબાદ તા. ૦૫ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘કવિરાજ કાઉ ઘી’ અને ‘પ્રભુશ્રી કાઉ ઘી’ના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
તપાસ અહેવાલ બાદ આગળની કાર્યવાહી
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ, તાજેતરમાં લેવાયેલા નમૂનાઓના પ્રયોગશાળા અહેવાલ મળ્યા બાદ જવાબદાર વ્યક્તિ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણમાં નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કાર્યવાહી ચાલુ રહેશે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.