
નર્સરી સ્થાપના માટે ૨૫ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
બનાસકાંઠા: જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭ની બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાત્રતા ધરાવતા ખેડૂતોને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ફળપાકો અને આદુ-હળદરની યોજનાઓ માટે અરજી
બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ હેઠળ અતિઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી એક કરતાં વધુ ફળપાકોનું વાવેતર કરવાનું રહેશે. આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા ૫૦૦ અને વધુમાં વધુ ૨૬૦૦ રોપા અથવા કલમોના વાવેતર પર નિયમાનુસાર સહાય મળવાપાત્ર થશે.
આ ઉપરાંત, ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા તથા રાઈઝોમેટીક એટલે કે આદુ-હળદરના પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો માટે પણ અરજીઓ શરૂ થઈ છે. આ યોજનાઓ માટે ૧૬ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
નાની અને મોટી નર્સરી માટે ૨૫ ઓક્ટોબર છેલ્લી તારીખ
જિલ્લામાં બાગાયતી નર્સરીનો વ્યાપ વધારવા મોટી નર્સરી માટે ૧થી ૨ હેક્ટર અને નાની નર્સરી માટે ૦.૪થી ૧ હેક્ટર વિસ્તારમાં સ્થાપનાની યોજના અમલમાં છે. આ યોજનાઓ માટે પોર્ટલ ૧૦ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે.
અરજી કરતાં પહેલાં રજીસ્ટ્રેશન ફરજિયાત
ખેડૂતોએ આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ� પર ઉપલબ્ધ યુઝર મેન્યુઅલ મુજબ સૌપ્રથમ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યારબાદ સંબંધિત યોજના પસંદ કરીને જરૂરી વિગતો ભરવાની, માંગેલા દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજી કન્ફર્મ કરવાની રહેશે. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ પોતાના રેકર્ડ માટે સાચવી રાખવા જણાવાયું છે.
યોજનાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પાલનપુર, બનાસકાંઠા ખાતે રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરી શકાશે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.