
ડીસાના ચંદાજી ગોળીયાના મિત્ર પાસેથી લીધાં હતાં ઉછીનાં નાણાં; ૬૦ દિવસમાં ચેકની રકમ નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ
ડીસા: મિત્રતાના વિશ્વાસે આપેલા ₹૨.૪૦ લાખની વસૂલાત માટેના ચેક બાઉન્સ કેસમાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના સેધાજી રમણજી વેડંચીયાને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. અદાલતે હુકમની તારીખથી ૬૦ દિવસમાં ફરિયાદીને ચેકની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. રકમ નહીં ચૂકવાય તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના માળીવાસમાં રહેતા વસંતકુમાર ખેતાજી માળી ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ઓળખાણ ડીસાના નવા બસ સ્ટેશનની ચાની કેન્ટીન પર નાની ભાખર ગામમાં ઠાકોરવાસ શાળાની સામે રહેતા સેધાજી રમણજી વેડંચીયા સાથે થઈ હતી. સમય જતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી.
સારવાર અને ઘરખર્ચ માટે ટુકડે-ટુકડે નાણાં લીધાં
ફરિયાદની વિગતો અનુસાર, સેધાજીને અકસ્માત થતાં વસંતકુમાર તેમના ઘરે ખબરઅંતર પૂછવા ગયા હતા. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૨૪માં સેધાજીએ જરૂરિયાત હોવાનું જણાવી ₹૫૦,૦૦૦ હાથઉછીના માગ્યા હતા. દવાખાનાનો ખર્ચ વધુ હોવાનું ફોન પર જણાવતાં વસંતકુમારે ફરી ₹૯૦,૦૦૦ આપ્યા હતા. ત્યારબાદ ઘરખર્ચ માટે ટુકડે-ટુકડે વધુ ₹૧ લાખ આપ્યા હતા. આમ, કુલ ₹૨.૪૦ લાખ હાથઉછીના આપવામાં આવ્યા હતા.
સેધાજીએ આઠ માસમાં નાણાં પરત ચૂકવવાનું વચન આપ્યું હોવાથી વસંતકુમારે મિત્રતાના સંબંધને ધ્યાને રાખીને તેમના પર વિશ્વાસ મૂક્યો હતો.
ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાથી ચેક પરત ફર્યો
નક્કી કરેલી મુદત બાદ વસંતકુમારે વારંવાર ઉઘરાણી કરતાં સેધાજીએ રકમ ચૂકવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની દાંતીવાડા શાખાનો તા. ૦૮/૧૨/૨૦૨૫નો ₹૨.૪૦ લાખનો સહી કરેલો ચેક આપ્યો હતો.
વસંતકુમારે આ ચેક એચડીએફસી બેંકની મોટી આખોલ શાખામાં જમા કરાવ્યો હતો. જોકે, તા. ૦૯/૧૨/૨૦૨૫ના રોજ ચેક ‘ફંડ્સ ઇનસફિશિયન્ટ’ના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ તેમણે વકીલ મારફતે ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો.
કલમ ૧૩૮ હેઠળ સજા અને રકમ ચૂકવવાનો આદેશ
કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ રાજેશકુમાર એસ. સોલંકીની દલીલો ગ્રાહ્ય રાખીને ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનાં જજ કુ. ઉર્મિલા મનુભાઈ આહીરે સેધાજી રમણજી વેડંચીયાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
અદાલતે એક વર્ષની સાદી કેદની સજા સાથે હુકમની તારીખથી ૬૦ દિવસમાં ફરિયાદીને ₹૨.૪૦ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ રકમ નહીં ચૂકવાય તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કર્યો હતો.
પકડ વોરંટના આધારે કાર્યવાહી; પાલનપુર સબજેલમાં મોકલાયા
સજા સંભળાવતી વખતે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી તેમની સામે પકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેના આધારે દાંતીવાડા પોલીસે તા. ૧૪/૧૦/૨૦૨૬ના રોજ સેધાજીને પકડી અદાલતમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ અદાલતના આદેશથી તેમને પાલનપુર સબજેલમાં મોકલવામાં આવ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.