
વડગામના શેરપુરા હાઈવે પર પાલનપુર ફૂડ સેફ્ટી ટીમની કાર્યવાહી. ૭૦ કિલો બળેલા ખાદ્યતેલ અને ૧૧૫ કિલો નમકીનનો સ્થળ પર જ નાશ કરાયો.
બનાસકાંઠા | વડગામ — દિવાળીને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વડગામ તાલુકાના શેરપુરા ગામે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. હાઈવે પર કરમાવદ ઢાબા પાછળ આવેલી ‘સુપર નમકીન’ પેઢીમાં તપાસ દરમિયાન બળેલું ખાદ્યતેલ મળી આવ્યું હતું. નમકીન પણ બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં તૈયાર થતું હોવાનું તંત્રે જણાવ્યું હતું. ફૂડ સેફ્ટી ટીમે અંદાજે ₹૨૪,૩૦૦ની કિંમતના કુલ ૧૮૫ કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો.
તેલનો વારંવાર ઉપયોગ થયાનું તપાસમાં સામે આવ્યું
ફૂડ સેફ્ટી ટીમે TPC મશીન વડે ખાદ્યતેલની ચકાસણી કરી હતી. તંત્રના જણાવ્યા મુજબ, ચકાસણીમાં તેલ બળેલું હોવાનું અને તેનો વારંવાર ઉપયોગ કરાયો હોવાનું જણાયું હતું. પેઢીમાં લાલ સેવ, ચવાણું, પાપડી અને રતલામી સેવ સહિતના નમકીન બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં તૈયાર કરવામાં આવતાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
છૂટક વેચાણનું રજિસ્ટ્રેશન હતું, ઉત્પાદન માટે જરૂરી રજિસ્ટ્રેશનનો અભાવ
તંત્રના જણાવ્યા મુજબ, પેઢીના જવાબદાર ઉસ્માનભાઈ મહંમદઈશા મુસ્બદી પાસે ફેરી કે છૂટક વેપાર માટેનું રજિસ્ટ્રેશન હતું. તપાસમાં જાણવા મળ્યું કે નમકીનના ઉત્પાદન માટે જરૂરી માન્ય રજિસ્ટ્રેશન વિના પેઢીમાં વિવિધ પ્રકારના નમકીન બનાવી વેચવામાં આવતાં હતાં.
નમકીનના નમૂના લેબોરેટરી તપાસ માટે લેવાયા
ફૂડ સેફ્ટી ઓફિસર ઇ.એસ. પટેલે જાહેર આરોગ્યના હિતમાં ૭૦ કિલો બળેલા ખાદ્યતેલ અને ૧૧૫ કિલો નમકીનનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો. આ ઉપરાંત, વેચાણ માટે રાખેલા નમકીનના નમૂના લઈને લેબોરેટરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે આવી તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે તેમ પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે જણાવ્યું છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.